રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આજે બેઇજિંગમાં ચીનના વિદેશ મંત્રી વાન્ગ યી સાથે વિશેષ પ્રતિનિધિ સ્તરનો સંવાદ કર્યો. બંને નેતાઓએ ભારત-ચીન સરહદ મુદ્દા અને બંને દેશ વચ્ચેના સંબંધમાં સુધારા અંગે ચર્ચા કરી. 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારા બ્રિક્સ શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના સંભવિત પ્રવાસ પહેલા આ સંવાદ મહત્વનો મનાઈ રહ્યો છે. શ્રી ડોભાલ અને શ્રી વાન્ગ યી બંને સરહદ સંવાદ તંત્રના વિશેષ પ્રતિનિધિ છે.

આ તંત્ર વર્ષ 2003માં અંદાજે ત્રણ હજાર 488 કિલોમીટર લાંબી ભારત-ચીન સરહદ સાથે જોડાયેલા વિવાદના વ્યાપક નિવારણ તપાસવા બનાવાયું હતું.
બે દિવસના પ્રવાસે ગઈકાલે બેઈજિંગ પહોંચેલા શ્રી ડોભાલે ચીનના ઉપરાષ્ટ્રપ્રમુખ હાન ઝેન્ગ સાથે પણ મુલાકાત કરી. ભારતીય દૂતાવાસે જણાવ્યું, બંને નેતાએ સરહદી ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતા મજબૂત કરવા તથા આર્થિક, રાજકીય અને બહુપક્ષીય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધને વધુ સારા બનાવવાના ઉકેલ પર ચર્ચા કરી. ચીનના ઉપરાષ્ટ્રપ્રમુખ હાન ઝેન્ગે કહ્યું, ચીન અને ભારતના દ્વિપક્ષીય સંબંધને વ્યૂહાત્મક અને લાંબાગાળાના દ્રષ્ટિકોણથી જોવા જોઈએ તથા બંને દેશના નેતાઓ વચ્ચે બનેલી મહત્વની સંમતિને લાગૂ કરવા સાથે મળીને કામ કરવું જોઈએ.
