અમેરિકી રાજકારણ અને વેપાર જગતમાં એક નવુ તોફાન ઉભું થયું છે. કારણ છે વ્હાઇટ હાઉસના મુખિયા ડોનાલ્ડ ટ્રમ્પ, જેમણે પોતાના તીખા નિવેદનથી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે.
આ વખતે તેમના નિશાન પર કોઇ દેશના વડાપ્રધાન નહીં, પરંતુ દુનિયાના સૌથી મોટા ચિપ નિર્માતા કંપની ઇન્ટેલના હાલ CEO લિપ-બૂ ટેન પર છે. ચીનના કથિત વેપારને લઇને ટ્રમ્પે ટેન પાસે રાજીનામાની માંગ કરી છે.જેના કારણે વોલ સ્ટ્રીટમાં ખળભળાટ મચી ગયો છે.
ટ્રમ્પે માંગ્યુ રાજીનામું
અમેરિકી સમાચાર એજન્સી રોયટર્સ મુજબ, એપ્રિલમાં ખુલાસો થયો હતો કે લિપ-બૂ ટેનએ માર્ચ 2012 થી ડિસેમ્બર 2024 દરમિયાન ચીની સેમિકન્ડક્ટર કંપનીઓમાં ઓછામાં ઓછું 200 મિલિયન ડોલર એટલે કે લગભગ ₹1,670 કરોડનું રોકાણ કર્યું હતું. આ કંપનીઓમાંની ઘણી કંપનીઓનું સીધું કે પરોક્ષ જોડાણ ચીની સેના અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સાથે હતું. આ જ માહિતી ટ્રમ્પના નિશાનાનું કારણ બની. રિપોર્ટ સામે આવ્યા પછીના એક દિવસમાં જ ટ્રમ્પે ખુલ્લેઆમ કહ્યું કે ઇન્ટેલના નવા CEO વિવાદાસ્પદ છે અને એવો વ્યક્તિ આ પદ પર રહેશે તો રાષ્ટ્રીય હિતને જોખમ છે. તેમણે સ્પષ્ટ રીતે માંગ કરી ટેનને તરત પદેથી રાજીનામું આપવું જોઈએ.


