“રાવણે” કરેલી ભૂલો જે આજે પણ આપણને ઘણું શીખવે છે
રામાયણનું યુદ્ધ માત્ર બે સેનાઓ વચ્ચેનો સંઘર્ષ નહોતો, પરંતુ તે બે ભિન્ન વિચારધારાઓ અને અસ્મિતાઓ વચ્ચેનું યુદ્ધ હતું. જ્યારે લંકાધિપતિ રાવણ રણમેદાનમાં પોતાની અંતિમ ક્ષણો ગણી રહ્યો હતો, ત્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે જે ઉદારતા દાખવી, તે સાબિત કરે છે કે ‘જ્ઞાન’ ની કિંમત દુશ્મનાવટ કરતા અનેકગણી વધારે છે.
જ્ઞાન મેળવવાની સાચી રીત વિનય
જ્યારે રાવણ અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો, ત્યારે રામે લક્ષ્મણને કહ્યું, “લક્ષ્મણ, રાવણ આ પૃથ્વી પરનો સૌથી મોટો રાજનીતિજ્ઞ અને વેદ શાસ્ત્રનો જ્ઞાની પંડિત છે. તેના મૃત્યુ સાથે આ મહાન જ્ઞાન પણ નષ્ટ થઈ જશે. તું તેની પાસે જઈને જીવન અને રાજનીતિના પાઠ શીખી આવ.”
લક્ષ્મણજી રાવણના મસ્તક પાસે જઈને ઉભા રહ્યા, પણ રાવણ કશું જ બોલ્યો નહીં. જ્યારે લક્ષ્મણે રામને આ વાત કરી, ત્યારે રામે હસીને મર્મ સમજાવ્યો જો કોઈની પાસે જ્ઞાનની ભિક્ષા માંગવી હોય, તો તેના માથા પાસે નહીં પણ તેના ચરણોમાં બેસવું જોઈએ. વિનમ્રતા એ જ જ્ઞાન મેળવવાની પ્રથમ શરત છે.
લક્ષ્મણ ફરીથી રાવણના ચરણોમાં જઈને બેઠા, ત્યારે રાવણે તેમને જીવનના ત્રણ એવા સત્યો કહ્યા જે આજે પણ એટલા જ પ્રસ્તુત છે.
શુભસ્ય શીઘ્રમ્ (શુભ કાર્યમાં વિલંબ ન કરવો)
રાવણે પોતાની પ્રથમ ભૂલ સ્વીકારતા કહ્યું કે, મેં મારા જીવનમાં ઘણા ક્રાંતિકારી વિચારો કર્યા હતા, જેમ કે સ્વર્ગ સુધી સીડી બનાવવી અને સમુદ્રના ખારા પાણીને મીઠું કરવું. પણ મેં આ ‘શુભ સંકલ્પો’ ને કાલ પર ટાળ્યા અને તે ક્યારેય પૂરા ન થયા. બીજી તરફ, ‘અશુભ કર્મ’ (સીતાનું અપહરણ) કરવામાં મેં ઉતાવળ કરી અને તેનું પરિણામ આજે મારી સામે છે.સારા વિચારોને તુરંત અમલમાં મૂકો, કારણ કે સમય કોઈની પ્રતીક્ષા કરતો નથી.
શત્રુને ક્યારેય નાનો ન ગણવો
રાવણે કહ્યું, મેં વનવાસી રામ અને તેમની સાથેના વાનરો રીંછોને તુચ્છ માન્યા હતા. મને અહંકાર હતો કે આ સામાન્ય જીવો મારું શું બગાડી લેશે? પણ એ જ વાનર સેનાએ મારું અજેય સામ્રાજ્ય ધૂળમાં મેળવી દીધું. કોઈપણ પ્રતિસ્પર્ધી કે પરિસ્થિતિને નબળી માનીને તેને અવગણવી એ જ પતનનું પ્રથમ પગથિયું છે.
રહસ્યોની ગોપનીયતા
રાવણે સૌથી મહત્વની વાત કરી મેં મારા મૃત્યુનું રહસ્ય (નાભિમાં અમૃત) મારા ભાઈ વિભીષણને જણાવ્યું હતું. ભલે તે મારો ભાઈ હતો, પણ અંતે એ જ વાત મારા વિનાશનું કારણ બની.
જીવનના ઊંડા રહસ્યો અને તમારી નબળાઈઓ ક્યારેય કોઈની સાથે વહેંચવી જોઈએ નહીં. અંગત બાબતોની
ગોપનીયતા જ તમારી સુરક્ષા છે.
આ પ્રસંગ એ વાતની સાક્ષી પૂરે છે કે કર્મનો સિદ્ધાંત કેટલો ન્યાયી અને કઠોર છે. રાવણ મહાન પંડિત હતો, શિવભક્ત હતો અને અપ્રતિમ યોદ્ધો હતો, પરંતુ તેના માત્ર એક અહંકાર અને પર સ્ત્રી પ્રત્યેના મોહ એ તેના વર્ષોના પુણ્યોને ભસ્મ કરી દીધા.
ભગવાન રામે લક્ષ્મણને રાવણ પાસે મોકલીને જગતને એ પણ શીખવ્યું કે દુશ્મન ભલે ગમે તેટલો ખરાબ હોય, પણ તેના સદગુણો અને જ્ઞાનનો સ્વીકાર કરવામાં ક્યારેય નાનપ ન અનુભવવી જોઈએ. અંતે, માણસ ગમે તેટલો મોટો જ્ઞાની હોય, પણ જો તેનું ‘કર્મ’ ખોટું હોય, તો તે જ્ઞાન પણ તેને બચાવી શકતું નથી.

લેખિકા: દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

