NATIONAL : વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય સચિવો સાથે બેઠક યોજી; નીતિ-નિર્ધારણ માટે નવા વિચારો મેળવવા યુવાનો સાથે જોડાવા તેમને અનુરોધ કર્યો.

0
6
meetarticle

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત સરકારના સચિવો સાથે ત્રીજી ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. બેઠક દરમિયાન તેમણે દેશના ભવિષ્યને આકાર આપવા માટે લાંબા ગાળાની વિચારસરણી સાથે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાને અધિકારીઓને વર્તમાન પડકારોની સાથે આગામી વર્ષોમાં દેશની જરૂરિયાતો અને તકોને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડવા સૂચન કર્યું.

PM મોદીએ ડેટાને રાષ્ટ્રીય સંપત્તિ અને ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સંસાધન ગણાવ્યું હતું. તેમણે વિવિધ સરકારી વિભાગો વચ્ચે ડેટાની વધુ સારી ઈન્ટરઓપરેબિલિટી અને તેનો અસરકારક ઉપયોગ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો. તેમના જણાવ્યા મુજબ, ડેટાનો યોગ્ય ઉપયોગ નીતિ નિર્માણ અને સરકારી યોજનાઓના અમલીકરણને વધુ અસરકારક બનાવી શકે છે.

ટીમ સ્પિરિટ વધારવાના મહત્વ પર પણ ચર્ચા થઈ

વડાપ્રધાને સરકારી વિભાગોમાં રહેલા ‘સિલોઝ’ એટલે કે અલગ-અલગ રીતે કામ કરવાની વૃત્તિને માત્ર સંગઠનાત્મક સમસ્યા નહીં, પરંતુ માનસિકતાની સમસ્યા ગણાવી હતી. તેમણે અધિકારીઓને ટીમ ભાવના અને એકબીજા પ્રત્યેની જવાબદારીની ભાવના સાથે કામ કરવા અપીલ કરી. બેઠકમાં અધિકારીઓ વચ્ચે અનૌપચારિક સંવાદ અને ટીમ સ્પિરિટ વધારવાના મહત્વ પર પણ ચર્ચા થઈ. PM મોદીએ સરકારના વિભાગો, યુનિવર્સિટીઓ અને યુવાનો વચ્ચે વધુ સંવાદ વધારવાની જરૂરિયાત દર્શાવી, જેથી નીતિ નિર્માણમાં નવા વિચારો અને તાજા દૃષ્ટિકોણનો સમાવેશ થઈ શકે.

નિર્ણય ક્ષમતાને મહત્વ આપવાની જરૂરિયાત

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના અસરકારક ઉપયોગ પર પણ વડાપ્રધાને ભાર મૂક્યો હતો. જોકે, AIનો ઉપયોગ કરતી વખતે માનવીય હસ્તક્ષેપ અને નિર્ણય ક્ષમતાને મહત્વ આપવાની જરૂરિયાત તેમણે સ્પષ્ટ કરી. PM મોદીએ ભારતના ડિફેન્સ ઉદ્યોગને વધુ મજબૂત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. બેઠક દરમિયાન સચિવોએ વિવિધ મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓ અને નીતિઓના અમલીકરણમાં આવતા પડકારો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here