ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ અને લાલ સમુદ્ર દ્વારા ક્રૂડ તેલનો પુરવઠો ખોરવાઈ ગયો છે. વિશ્વના સૌથી મોટા ઉત્પાદકોમાંના એક સાઉદી અરેબિયામાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ૩૬ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયું છે. આ ભારત માટે પણ ચેતવણીનો સંકેત છે, કારણ કે સાઉદી અરેબિયા ભારતના ટોચના સપ્લાયર્સમાં સામેલ છે.
સાઉદી અરેબિયાનું કહેવું છે કે તેનું દૈનિક ઉત્પાદન ૧.૯ મિલિયન બેરલ ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું છે, જે ૧૯૯૦ પછીનું સૌથી નીચું સ્તર છે. ઓગસ્ટમાં નિકાસમાં પણ ૪૦% ઘટાડો થયો છે. કામચલાઉ ટેન્કર ટ્રેકિંગ ડેટા અનુસાર, સાઉદી અરેબિયાની નિકાસ ૫.૧ મિલિયન બેરલથી ઘટીને ૩.૧ મિલિયન બેરલ થઈ ગઈ છે. ઓપેક દેશોમાં સાઉદી અરેબિયા સૌથી મોટું ક્રૂડ ઉત્પાદક છે.
સાઉદી અરેબિયા ભારતનો ત્રીજો સૌથી મોટો સપ્લાયર છે. ઈરાન યુદ્ધ પહેલા, સપ્ટેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે સાઉદી અરેબિયાથી દૈનિક પુરવઠો ૭૪૩,૦૦૦ બેરલ હતો, જે ફેબ્રુઆરી અને ઓગસ્ટ વચ્ચે ઘટીને ૪૪૦,૦૦૦ બેરલ થઈ ગયો હતો.

ક્રૂડ તેલના ભાવ વધવાથી ભારતના આયાત બિલમાં વધારો થશે અને રૂપિયા પર દબાણ આવશે. આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વાૃધારો થઈ શકે છે. ભારત તેની તેલની જરૂરિયાતોના લગભગ ૯૦ ટકા આયાત કરે છે.
ઈરાની જહાજો પરના હુમલાઓએ અખાતમાં ટ્રાફિકને અસર કરી છે. દરમિયાન, યમનના હુતી બળવાખોરો દ્વારા દરિયાકાંઠાના શહેર મોચા પર કબજો કરવાથી લાલ સમુદ્રમાં પરિવહન કરતા જહાજો માટે ખતરો વધી ગયો છે. આ બંદર બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ પાસે આવેલું છે, જે વૈશ્વિક શિપિંગ માટેનો બીજો મહત્વપૂર્ણ માર્ગ છે. આ જ કારણ છે કે પુરવઠામાં ઘટાડો થવાને કારણે તેલના ભાવમાં વાૃધારો થયો છે.
ક્રૂડ ઓઇલના ભાવ ૧૦૮ ડોલરની ચાર મહિનાની ટોચને આંબી ગયા છે. આ અઠવાડિયે ક્રૂડ ઓઇલના ભાવ લગભગ ૧૩% વધ્યા છે.

