અમદાવાદ ગ્રામ્યમાં અસલાલી પોલીસે બાતમીના આધારે દસ્ક્રોઈના કાસિન્દ્રા ગામ પાસેથી પસાર થતી એક કારમાંથી હેરાફેરી કરવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને કાર સહિત કુલ 2,36,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે ફરાર આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

કારમાંથી દારૂની 180 બોટલો મળી આવી
અસલાલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેને બાતમી મળી હતી કે મોન્ટુ ચુનારા નામનો શખસ કાસિન્દ્રા સીમમાં રેલવે બ્રિજના નાળા પાસે વિદેશી દારૂ લઈને આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન કાસિન્દ્રા ગામ તરફના કાચા રસ્તા પરથી આવતી શંકાસ્પદ કારને અટકાવીને તપાસ કરતા, ડ્રાઇવર સીટ પર બેઠેલા 28 વર્ષીય મહેશ ભવાનભાઈ ઠાકોરને ઝડપી લેવામાં આવ્યો હતો. કારની અંદર તપાસ કરતા પાછળની સીટ પર ચાર મીણિયાની થેલીઓ સંતાડેલી હાલતમાં મળી આવી હતી. આ થેલીઓ ખોલીને જોતા તેમાંથી દારૂની કુલ 180 બોટલો મળી આવી હતી.પોલીસે ઝડપેલા આરોપી મહેશ ઠાકોરની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો કાસિન્દ્રામાં જ રહેતા મોન્ટુ ચુનારાનો છે. મોન્ટુના કહેવાથી જ તે આ દારૂ ભરેલી કાર રેલવે બ્રીજના નાળા પાસે લાવ્યો હતો, જ્યાંથી મોન્ટુ અને તેનો ફત્યો પપ્પુ ચુનારા આ માલ આગળ લઈ જવાના હતા. પોલીસે સ્થળ પરથી કાર અને દારૂ મળીને કુલ 2,36,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપી મહેશ તેમજ હાજર નહીં મળેલા મોન્ટુ અને ફત્યા વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
