ARTICLE : પૂજા કે પ્રદર્શન? જ્યારે આપણે ભગવાનને ‘પૂજવા’ તો શીખ્યા પણ ‘સમજવા’ ભૂલી ગયા!

0
8
meetarticle

“ભક્તિ કે ભ્રમણા? જ્યારે આસ્થા માત્ર પ્રદર્શન બની જાય!”
આજે ભારતના ગલી-ખૂણે મંદિરોની ઘંટડીઓ ગાજે છે, રસ્તાઓ પર ભવ્ય શોભાયાત્રાઓ નીકળે છે અને સોશિયલ મીડિયા ધાર્મિક પોસ્ટ્સથી ઉભરાય છે. પણ શું આ સાચી આસ્તિકતા છે? આપણે પથ્થરની મૂર્તિ સામે કલાકો સુધી નત મસ્તક ઊભા રહીએ છીએ, પણ એ જ ભગવાનના બનાવેલા માણસ સાથે સદ્વ્યવહાર કરવાનું ભૂલી જઈએ છીએ. આપણે દેવી-દેવતાઓ આગળ શ્રદ્ધાની લાંબી યાદી તો ધરીએ છીએ, પણ એ જ દેવતાઓના જીવનના આદર્શોને આપણા આચરણમાં ઉતારવાનું ચુકી જઈએ છીએ.
વિડંબના તો જુઓ, આપણે “કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન” નો શ્લોક મોક્ષ મેળવવા માટે કંઠસ્થ કર્યો છે, પણ જે ‘કર્મ’ કરવાની ગીતામાં વાત છે, તેને જીવનના વ્યવહારમાં ઉતારતા આપણે થાકી જઈએ છીએ. આપણી ભક્તિ આજે માત્ર ‘માંગણી’ અને ‘પ્રદર્શન’ પૂરતી મર્યાદિત બની ગઈ છે. શું આપણે ખરેખર માનીએ છીએ કે અગરબત્તીનો ધુમાડો આપણા ભ્રષ્ટાચાર, બેઈમાની કે અશિસ્તના પાપોને ઢાંકી દેશે? મંદિરોમાં શિસ્તના નામે શૂન્યતા અને નદીઓને ‘મા’ કહીને તેને પ્રદૂષિત કરવાની આપણી માનસિકતા એ વાતની સાક્ષી પૂરે છે કે આપણે ભગવાનને ‘પૂજવા’ તો શીખ્યા પણ કદાચ ‘સમજવા’ સાવ ભૂલી ગયા છીએ!
૧. લક્ષ્મી, સરસ્વતી અને વિશ્વકર્મા: પૂજા આપણી, પ્રગતિ એમની?
આપણે ધનના દેવી લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ, છતાં સમૃદ્ધિમાં અમેરિકા આગળ છે. આપણે વિદ્યાની દેવી સરસ્વતીની આરાધના કરીએ છીએ, છતાં સંશોધન અને નવી ટેકનોલોજીમાં ચીન કે જાપાન બાજી મારી જાય છે. આપણે ભગવાન વિશ્વકર્માને પૂજીએ છીએ, પણ એન્જિનિયરિંગ અને ફિનિશિંગમાં જર્મનીનું નામ મોખરે છે.
કેમ? કારણ કે આપણે ‘પૂજા’ ને જ ‘કર્મ’ માની લીધું છે, જ્યારે તે દેશોએ ‘કર્મ’ ને જ ‘પૂજા’ માની છે. જે દેવી-દેવતાઓની આપણે પૂજા કરીએ છીએ, તે હકીકતમાં ગુણોના પ્રતીક છે. લક્ષ્મીજી સાથે ગણેશજીની પૂજા પાછળનો મર્મ એ જ છે કે “બુદ્ધિ વગરનું ધન વિનાશ નોતરે છે.” જો આપણે માત્ર પૂજા કરીશું અને બુદ્ધિનો ઉપયોગ કરીને મહેનત નહીં કરીએ, તો લક્ષ્મીજી ક્યારેય સ્થિર નહીં રહે.
૨. નદીઓને ‘મા’ કહીને મેલી કરવાનું પાપ
આપણે ગંગાને પવિત્ર કહીએ છીએ પણ એને પ્રદૂષિત કરવામાં જરાય ખચકાતા નથી. બીજી તરફ, પશ્ચિમી દેશોમાં નદીઓને કોઈ ‘મા’ નથી કહેતું, છતાં ત્યાંનું પાણી પીવાલાયક સ્વચ્છ હોય છે. આ દર્શાવે છે કે શ્રદ્ધા જ્યારે શિસ્તમાં પરિવર્તિત નથી થતી, ત્યારે તે માત્ર પાખંડ બની રહી જાય છે.
૩. રામાયણ અને મહાભારત: આચરણ માટે કે આરતી માટે?
શ્રીકૃષ્ણએ ગીતામાં લડવાનું અને કર્મ કરવાનું શીખવ્યું, પણ આપણે તેમને પાળણામાં ઝૂલાવીને ‘માખણ-મિસરી’ ખવડાવવામાં જ સંતોષ માની લીધો. રામ ‘મર્યાદા પુરુષોત્તમ’ હતા, પણ આપણે તેમની મર્યાદાઓમાંથી શીખવાને બદલે માત્ર તેમને અયોધ્યાના રાજા તરીકે પૂજવા માંડ્યા.
કડવું સત્ય એ છે કે આપણે ભગવાનને એટલા માટે ઊંચા સિંહાસન પર બેસાડી દીધા છે જેથી આપણે તેમના જેવા બનવું ના પડે. આપણે તેમને ‘ભગવાન’ કહીને છૂટી ગયા, પણ જો આપણે તેમને ‘માર્ગદર્શક’ માન્યા હોત, તો આજે આપણું ચારિત્ર્ય અને દેશ કંઈક અલગ હોત.
૪. ભગવાન જેવા બનવા માટે જોઈએ ‘ડિસિપ્લિન’
કોઈપણ દેવતાનું જીવન જુઓ તેમાં સંઘર્ષ છે, સંયમ છે અને ચોક્કસ શિસ્ત (Discipline) છે. આપણે પ્રસાદ વહેંચવામાં શિસ્ત નથી જાળવી શકતા, તો જીવનમાં ક્યાંથી લાવીશું? આપણે શોર્ટકટ શોધીએ છીએ. આપણે વિચારીએ છીએ કે ૫૦૦ રૂપિયાનું દાન કરીશું એટલે ભગવાન આપણા બધા પાપ માફ કરી દેશે અને સફળતા અપાવશે.
“ભગવાન ભરોસે બેસી ન રહો, શું ખબર ભગવાન તમારા ભરોસે બેઠા હોય કે મારો ભક્ત ક્યારે કામ કરવાનું શરૂ કરે!”
હવે જાગવાનો સમય છે
જો આપણે ખરેખર ઈચ્છીએ છીએ કે ભારત ફરી જગતગુરુ બને, તો આપણે આરતીની થાળીની સાથે સાથે હાથમાં કામના ઓજારો પણ પકડવા પડશે. પૂજા એ મનની શાંતિ માટે છે, પણ પેટ અને દેશ તો મહેનતથી જ ભરાશે.
શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું જ છે ‘કર્મ જ પૂજા છે’. જે દિવસે આપણે રસ્તા પર કચરો ન ફેંકવાની શિસ્ત કેળવીશું અને પોતાના કામને ઈમાનદારીથી કરીશું, તે દિવસે સાચા અર્થમાં ભગવાનની પૂજા થઈ ગણાશે.
યાદ રાખો, ભગવાન મંદિરમાં મૂર્તિ બનીને એટલે બેઠા છે કે તમે બહાર માણસ બનીને જીવી શકો!


લેખિકા: દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)
સ્પોર્ટ્સ ટીચર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here