Sunday, May 5, 2024
Homeવિધાનસભા પેટાચૂંટણીમાં હોલ-મેદાનમાં 6 ફૂટની દૂરી સાથે સભા કરી શકાશે, સ્ટેજ પર...
Array

વિધાનસભા પેટાચૂંટણીમાં હોલ-મેદાનમાં 6 ફૂટની દૂરી સાથે સભા કરી શકાશે, સ્ટેજ પર 7 લોકોને જ મંજૂરી: ડોર ટુ ડોર પ્રચારમાં ઉમેદવાર સાથે 5 લોકો જ જઈ શકશે

- Advertisement -

રાજ્યમાં યોજાનારી વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીના પ્રચાર માટે પ્રવર્તમાન કોરોના વાઈરસના સંક્રમણ અને લોકોના આરોગ્ય સુખાકારી ધ્યાનમાં લઈને ભારતના ચૂંટણીપંચનાં દિશા-નિર્દેશોને પગલે રાજ્ય સરકારે ચૂંટણીપ્રચાર સંદર્ભે કેટલીક અગત્યની માર્ગદર્શક-સૂચનાઓ જાહેર કરી છે. આ માર્ગદર્શિકાની મુખ્ય બાબતો નીચે મુજબ છે. જે જગ્યાએ ચૂંટણી યોજાવાની છે ત્યાં જે-તે જિલ્લા મેજિસ્ટ્રેટ /પોલીસ કમિશનરની મંજૂરી મેળવી નીચે મુજબની ગાઈડલાઈન્સ સાથે સભા કે પ્રચાર કામગીરી કરી શકાશે.

આ 14 સૂચનાના અનુપાલન સાથે પેટાચૂંટણીઓ માટેનો પ્રચાર કરી શકાશે

* સભાના આયોજન માટે બંધ જગ્યામાં જગ્યા / સ્થળની ક્ષમતાના 50%, પરંતુ મહત્તમ 200 વ્યક્તિની મર્યાદા રહેશે.

* ખુલ્લી જગ્યામાં આ પ્રકારના કાર્યક્રમો માટે મેદાન / સ્થળના વિસ્તારને ધ્યાનમાં લઈ 6 ફૂટની દૂરી સાથેનું સોશિયલ ડિસ્ટન્સિંગ, સમગ્ર સમારંભ દરમિયાન મોઢાને યોગ્ય રીતે ઢાંકી રાખવું, થર્મલ સ્કેનિંગની સગવડતા, હેન્ડ વોશ / સેનિટાઇઝરની સુવિધાની શરતે 100થી વધુ વ્યકિતઓના ચૂંટણી સંબંધિત રાજકીય સમારંભ માટે મંજૂરી આપી શકાશે.

* સભા અને મીટિંગના સ્ટેજ ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વ્યકિતગત ખુરશી પર ( સોફા રાખી શકાશે નહીં ) 7થી વધુ વ્યકિતઓ સ્ટેજ ઉપર બેસી શકશે નહીં. જો સ્ટેજ મોટું હોય તો આગળ–પાછળ હરોળમાં વધુમાં વધુ 14 લોકો ( હરોળદીઠ 7 વ્યકિત ) બેસી શકશે.

* આ પ્રકારના કાર્યક્રમ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ / પોલીસ કમિશનરને પૂર્વમંજૂરી માટે અરજી કરવાની રહેશે, જેમાં કાર્યક્રમની તારીખ, સમય, સ્થળ તથા તેમાં હાજર રહેનારી વ્યકિતઓની સંભવિત સંખ્યા દર્શાવવાની રહેશે.

* આવા કાર્યક્રમમાં હાજર રહેનારી વ્યકિતઓની સંખ્યા તથા અન્ય શરતોના પાલનની જવાબદારી આયોજકની રહેશે.

* ડોર ટુ ડોર પ્રચારમાં ઉમેદવાર સહિત 5 વ્યક્તિની મર્યાદા રાખી શકાશે.

* રોડ શો / બાઈક રેલી-વાહનોના કાફલામાં દર 5 વાહન પછી યોગ્ય અંતર રાખવાનું રહેશે.

* વાહનોના બે કાફલા વચ્ચે 100 મીટરના અંતરને બદલે 30 મિનિટનો સમયગાળો રાખવાનો રહેશે.

* ઈલેક્શન મીટિંગ, કોવિડ-19ની માર્ગદર્શક સૂચનોને અનુરૂપ રહીને પબ્લિક ગેધરિંગ/ રેલી યોજી શકાશે.

* જિલ્લા ચૂંટણી અધિકારીએ રેલી/ સભા માટે મેદાનો અગાઉથી નક્કી કરવાનાં રહેશે, જેમાં આવન – જાવનની ચોક્કસ વ્યવસ્થા રાખવાની રહેશે. આવાં મેદાનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના માપદંડો જળવાય રહે એ માટે નિશાનીઓ કરવાની રહેશે

* નિયત કરવામાં આવેલી સંખ્યા કરતાં લોકો વધે નહિ એ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને પોલીસ અધિક્ષકે કાળજી લેવાની રહેશે.

* કોવિડ-19 સંદર્ભે આપવામાં આવેલી સૂચનાઓ, જેમ કે ચહેરાને યોગ્ય રીતે ઢાંકવો, સેનિટાઈઝરનો ઉપયોગ, થર્મલ સ્કેનિંગ વગેરેનો અમલ થાય એ માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ કાળજી લેવાની રહેશે.

* ઉમેદવાર દ્વારા નામાંકન દાખલ કરતા સમયે બેથી વધુ વ્યક્તિ તથા બેથી વધુ વાહનો રાખી શકાશે નહીં.

જાહેર કે શેરી ગરબા નહીં યોજાય

આજે રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઇન્સ જાહેર કરી છે, જે અનુસાર રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ કરી શકાશે નહીં. પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય. સરકારે કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવરાત્રીના ગરબા, દશેરા, બેસતા વર્ષ સહિતના તહેવારોની ઉજવણી સંદર્ભે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેનો અમલ 16 ઓક્ટોબરથી કરવાનો રહેશે.

પેટાચૂંટણીમાં પ્રચાર માટે છૂટ

ગુજરાતમાં 8 બેઠકની વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજવાની જાહેરાત ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી છે, જેની સામે જનતામાં આશ્ચર્ય સાથે રોષ ફેલાયો છે, કેમ કે 17 ઓક્ટોબરથી આવી રહેલા નવ દિવસના નવરાત્રી મહોત્સવ ઊજવવા પર પ્રતિબંધ મુકાયો છે તો બીજી બાજુ, ચૂંટણીપંચે નવરાત્રીમાં જ રાજકીય પક્ષો ચૂંટણીપ્રચાર કરી શકે એ મુજબની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી માટેના ઉમેદવારીપત્ર 16 ઓક્ટોબર સુધી ભરવામાં આવશે, જયારે મતદાન 3 નવેમ્બરના રોજ યોજાશે. એ જોતાં નવરાત્રી દરમિયાન જ રાજકીય પક્ષોને ચૂંટણીપ્રચાર કરવાની છૂટ આપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular