સૌજન્ય રાજકોટ
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જિલ્લા પોલીસ વડા વિજય સિંહ ગુર્જર દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક ધોરાજી વિભાગના સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.જાડેજા અને તેમની ટીમ કાર્યરત હતી.
તે દરમિયાન એએસઆઈ શક્તિસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ સત્યપાલસિંહ જાડેજા તથા અજયભાઈ સોરઠીયા નાઓને સંયુક્ત રીતે મળેલી ચોક્કસ હકીકતને આધારે ભાયાવદર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૮(૫), ૩૫૧(૩) તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી) અને ગુજરાત નાણા ધીરધાર કરનાર અધિનિયમ ૨૦૧૧ની કલમ ૩૩, ૪૦, ૪૨ મુજબના વ્યાજખોરીના ગુનામાં આશરે ૮ મહિનાથી નાસતા ફરતા આરોપીને ભાયાવદર ગામના અરણી રોડ પરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. પકડાયેલ આરોપી દેવેન્દ્રસિંહ સંજયસિંહ ચુડાસમા છે, જે ભાયાવદર ગામની લાલાણી શેરી (તાલુકો ઉપલેટા) નો રહેવાસી છે અને નામદાર કોર્ટ દ્વારા બીએનએસ કલમ ૭૨ મુજબ તેને અગાઉ ફરારી જાહેર કરવામાં આવ્યો હતો.

આ સફળ કામગીરી કરનાર ટીમમાં ભાયાવદરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એચ.રાખોલીયા, એ.એસ.આઈ. શક્તિસિંહ જાડેજા, અરુણભાઈ ખટાણા, પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ બાબરીયા, સત્યપાલસિંહ જાડેજા તથા અજયભાઈ સોરઠીયા જોડાયા હતા.
