Hair Tips : નાની ઉંમરે વાળ ખરવાની સમસ્યા અને હેર ટ્રાન્સપ્લાન્ટ વિશે ફેલાયેલી અફવાઓનું સત્ય શું છે? જાણો હેર ટ્રાન્સપ્લાન્ટની સાચી વૈજ્ઞાનિક માહિતી.
બદલાતી જીવનશૈલી, માનસિક તણાવ, પ્રદૂષણ અને આનુવંશિક પરિબળોના કારણે નાની ઉંમરે વાળ ખરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પરિણામે, હેર ટ્રાન્સપ્લાન્ટ (Hair Transplant) કરાવનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. પરંતુ અધૂરી માહિતીના કારણે લોકોમાં અનેક ગેરમાન્યતાઓ અને અફવાઓ ફેલાયેલી છે. એક્સપર્ટ સ્પષ્ટતા કરે છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ કોઈ જાદુ નથી, પરંતુ એક વૈજ્ઞાનિક અને કાયમી સારવાર છે. સારા પરિણામ માટે અનુભવી સર્જન અને યોગ્ય સંભાળ અનિવાર્ય છે.
ટ્રાન્સપ્લાન્ટ પછી ક્યારેય વાળ ખરશે નહીં?
એક્સપર્ટ જણાવે છે કે ટ્રાન્સપ્લાન્ટ કરેલા વાળ સામાન્ય રીતે કાયમી રહે છે, પરંતુ માથાના જે બાકીના કુદરતી વાળ છે તે ઉંમર, હોર્મોનલ બદલાવ કે આનુવંશિકતાના કારણે ખરી શકે છે. તેથી ભવિષ્યમાં બાકીના વાળને જાળવી રાખવા માટે દવાઓ કે અન્ય સપોર્ટિવ સેશન્સની જરૂર પડી શકે છે.

હેર ટ્રાન્સપ્લાન્ટ અત્યંત પીડાદાયક પ્રક્રિયા છે?
આ માન્યતાનું સત્ય છે કે લોકો પીડાના ડરથી બિનજરૂરી રીતે ગભરાતા હોય છે. FUE અને DHI જેવી આધુનિક ટેકનોલોજીમાં લોકલ એનેસ્થેસિયા આપીને જ સર્જરી કરવામાં આવે છે, જેથી દર્દીને પ્રક્રિયા દરમિયાન નહિવત દુખાવો થાય છે. સર્જરી પછી સામાન્ય સોજો કે અસ્વસ્થતા હોઈ શકે છે જે થોડા દિવસોમાં શમી જાય છે અને મોટાભાગના દર્દીઓ બીજા જ દિવસથી દિનચર્યા શરૂ કરી શકે છે.
સર્જરી પછી તરત જ ઘાટા અને જાડા વાળ આવી જશે?
આ સૌથી મોટી ગેરસમજ છે. સર્જરી પછીના શરૂઆતી અઠવાડિયામાં ટ્રાન્સપ્લાન્ટ કરેલા વાળ ખરે છે, જેને તબીબી ભાષામાં “શોક લોસ” (Shock Loss) કહેવાય છે. નવા કુદરતી વાળ આવવાની શરૂઆત ૩ થી ૪ મહિના પછી થાય છે અને સંપૂર્ણ શ્રેષ્ઠ પરિણામ જોવા માટે ૯ થી ૧૨ મહિનાનો સમય લાગે છે

