વધી રહેલી મોંઘવારી વચ્ચે ખાનગી કંપનીના કર્મચારીઓ ઓછા પગાર મુદ્દે આંદોલન પર ઉતરી આવ્યા છે. નોઇડામાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જોકે આ આંદોલન હિંસામાં ફેરવાઇ ગયું છે, કર્મચારીઓએ કંપનીઓ પર ઓછો પગાર આપીને વધુ કામ કરાવવા સહિતના આરોપો લગાવ્યા છે અને અનેક વાહનોને આગ લગાવી દીધી છે. ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. જ્યારે વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે.

મહિને માત્ર ૧૫ હજાર રૂપિયાનો પગાર, બદલામાં આઠ કલાકથી વધુની કાળી મજૂરી કરાવતી કંપનીઓ પ્રત્યે અંતે આ મજૂરો કે કર્મચારીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. વધેલી મોંઘવારીમાં મહિનાનો ખર્ચો કાઢવો મુશ્કેલ થઇ જતા અકળાયેલા નોઇડાના મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. કેટલાક મજૂરોનો દાવો છે કે માત્ર ૧૫ હજાર પગાર અપાય છે પરંતુ બદલામાં ૧૨ કલાક સુધી કામ લેવામાં આવે છે. માત્ર આઠ કલાક સુધીની શિફ્ટ હોવી જોઇએ. ધરણા પ્રદર્શનમાં સામેલ લક્ષ્મીએ કહ્યું હતું કે અમારી માગણી માત્ર એટલી જ છે કે જો આઠ કલાકથી વધુ કામ કરાવો તો ઓવર ટાઇમના રૂપિયા આપો, મહિનાનો લઘુતમ પગાર ૨૦ હજાર રૂપિયા હોવો જોઇએ. કંપનીઓ અમારુ શોષણ કરી રહી છે. યોગ્ય સમયે અમે લોકો ભોજન પણ નથી કરી શકતા. સુરક્ષાની પણ કોઇ જ વ્યવસ્થા નથી.
અન્ય એક પ્રદર્શન કરી રહેલ કર્મચારીએ કહ્યું હતું કે કૂકિંગ ગેસથી લઇને રૂમનુ ભાડુ, સ્કૂલ ફી બધુ જ વધી રહ્યું છે પરંતુ અમારો પગાર નથી વધી રહ્યો. મહિનાના માત્ર ૧૩ હજાર રૂપિયામાં અમે ઘરનો ખર્ચો કેવી રીતે ચલાવીએ. પ્રદર્શનમાં સામેલ રાજેશે કહ્યું હતું કે અમારા બાળકોનો ઉછેર કેવી રીતે કરવો? કર્મચારીઓનો એવો પણ આરોપ છે કે કંપનીઓ તેમની સાથે છેતરપિંડી કરી રહી છે, જ્યારે કોઇ ઓડિટ કે તપાસ માટે આવે ત્યારે કંપનીઓ ઓન રેકોર્ડ કર્મચારીઓનો પગાલ ૨૫ હજાર રૂપિયા દર્શાવે છે પરંતુ આપે છે માત્ર ૧૫ હજાર કે તેથી ઓછા. નોઇડામાં આ વિરોધ પ્રદર્શનો એવા સમયે શરૂ થયા છે જ્યારે હરિયાણામાં સરકારે લઘુતમ વેતન ૩૫ ટકા વધારી દીધુ છે.
જેને પગલે હવે અન્ય રાજ્યોમાં પણ લઘુતમ વેતન વધારવાની માગણી થવા લાગી છે. નોઇડામાં મોટાભાગની પ્રાઇવેટ કંપનીઓના કર્મચારીઓ એક સાથે હડતાળ પર ઉતરી આવ્યા છે. જેમને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરાયા છે. રોષે ભરાયેલા કર્મચારીઓએ કંપનીઓની ઇમારતો, વાહનો પર પથ્થરમારો કર્યો હતો, અનેક કારોને સળગાવી દેવાઇ છે જેમાં પોલીસ વેનનો પણ સમાવેશ થાય છે. ભારે રોષ વચ્ચે કંપનીઓએ કર્મચારીઓને લેખિતમાં ખાતરી આપી હતી જોકે તેમ છતા કર્મચારીઓ કામ પર પરત ફરવા તૈયાર નથી, તેમનો આરોપ છે કે આવા અનેક વખત વચનો અપાઇ ચુક્યા છે જે માત્ર કાગળ પર છે.
કર્મચારીઓએ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર કાયદાનો યોગ્ય રીતે અમલ કરાવવા પણ દબાણ વધાર્યું છે. જ્યારે સરકારે સમગ્ર મામલે એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે અને કંપનીઓને શ્રમ કાયદાનું પાલન કરવા આદેશ આપ્યો છે.

