અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામ બાદ હવે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા તેલના ટેન્કરો અને જહાજો પર ઈરાન અને ઓમાન દ્વારા ‘ટોલ ટેક્સ’ વસૂલવાની તૈયારીઓ ચાલી રહી છે. અટકળો વહેતી થઈ હતી કે ઈરાન પ્રતિ ટ્રાન્ઝિટ (દરેક ફેરા દીઠ) $20 લાખ (આશરે ₹16 કરોડથી વધુ) જેટલી જંગી ફી વસૂલી શકે છે. આ સ્થિતિ વચ્ચે ભારત સરકાર પર પણ સવાલો ઉભા થયા હતા કે શું મિત્ર દેશ હોવા છતાં ભારતને આ ટેક્સ ચૂકવવો પડશે?

ભારત સરકારનું સ્પષ્ટીકરણ
પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે આ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “ટોલ ટેક્સને લઈને ઈરાન અને ભારત વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત થઈ નથી.” અન્ય એક સરકારી અધિકારીએ પણ પુષ્ટિ કરી હતી કે ભારતને અત્યાર સુધી આવા કોઈ સત્તાવાર ટેક્સ અંગેની જાણકારી મળી નથી.
ઈરાનની નવી આવકનું સાધન?
અહેવાલો મુજબ, ઈરાનની સંસદે હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર શુલ્ક વસૂલવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ઈરાન અને ઓમાન બંને સંયુક્ત રીતે આ ફી વસૂલશે. ઈરાની અધિકારીઓના જણાવ્યા મુજબ, યુદ્ધ બાદ દેશના પુનઃનિર્માણ માટે આ આવકનો ઉપયોગ કરવામાં આવશે. નોંધનીય છે કે હોર્મુઝનો માર્ગ લગભગ 6 અઠવાડિયા સુધી યુદ્ધને કારણે બંધ રહ્યો હતો, જે હવે શુક્રવારથી મર્યાદિત રીતે ખૂલી રહ્યો છે.
ભારત માટે રાહતની આશા
યુદ્ધ દરમિયાન પણ ઈરાને ભારતને પોતાનો ‘મિત્ર દેશ’ ગણાવીને તેના જહાજોને પસાર થવાની ખાસ છૂટ આપી હતી. તાજેતરમાં જ ભારતનું ‘ગ્રીન આશા’ એલપીજી લઈને ભારત સુરક્ષિત રીતે પહોંચ્યું છે. અગાઉ શિવાલિક અને નંદા દેવી જેવા જહાજો પણ આ રૂટ પરથી સફળતાપૂર્વક પસાર થયા છે. જોકે, નવા કાયદા મુજબ ભારતને ટેક્સમાં રાહત મળશે કે કેમ તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

