‘કોકરોચ જનતા પાર્ટી'(CJP)ના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે પ્રચાર કરતાં લૉના એક વિદ્યાર્થીને ગ્રેટર નોઇડાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે શાંતિ જાળવવાની નોટિસ પાઠવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લઈને મેજિસ્ટ્રેટનો ઉધડો લીધો હતો. 1 સપ્ટેમ્બરે દેશવ્યાપી આદેશ આપીને કોર્ટે વિદ્યાર્થીઓ સામે આવી કાર્યવાહી કરવા પર સ્પષ્ટ રોક લગાવી હતી. જોકે વધતાં વિવાદ વચ્ચે મેજિસ્ટ્રેટે નોટિસ પાછી ખેંચી લીધી છે, છતાં સુપ્રીમ કોર્ટે આ બાબતને ખૂબ ગંભીર ગણાવી છે.
કોઈ મેજિસ્ટ્રેટ આદેશનું ઉલ્લંઘન કરવાની હિંમત કેવી રીતે કરી શકે: CJI સૂર્યકાંત
ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ સીનિયર એડવોકેટ વિશ્વજીત ભટ્ટાચાર્ય દ્વારા આ મામલો મૌખિક રીતે લાવવામાં આવ્યો હતો. મેજિસ્ટ્રેટની આ કાર્યવાહી સામે ભારે વાંધો ઉઠાવતા CJI સૂર્યકાંતે સવાલ કર્યો હતો કે, ‘કોઈ પણ મેજિસ્ટ્રેટ આવી નોટિસ જાહેર કરવાની હિંમત કેવી રીતે કરી શકે? અમે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે કોઈ પણ વિદ્યાર્થી સામે દંડાત્મક કાર્યવાહી નહીં થાય. કોઈ પણ મેજિસ્ટ્રેટ સુપ્રીમ કોર્ટના એ આદેશનું અનાદર કે ઉલ્લંઘન કરી શકે નહીં.’

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ પાઠવેલી નોટિસ સામે સુપ્રીમ કોર્ટના સવાલો
સુપ્રીમ કોર્ટે બુધવારે ગ્રેટર નોઇડાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કામગીરી સામે કડક વલણ અપનાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે, ‘જ્યારે વિદ્યાર્થીઓના આંદોલન સંબંધિત તમામ એફઆઇઆર રદ કરી દેવામાં આવી હતી અને ભવિષ્યમાં સીજેપી (CJP) પ્રદર્શન અંગે કોઈ પણ વિદ્યાર્થી સામે દંડાત્મક પગલાં ન લેવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો, છતાં મેજિસ્ટ્રેટે ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા'(BNSS)ની કલમ 130 હેઠળ વિદ્યાર્થીને નોટિસ કેવી રીતે ફટકારી? કોર્ટે મેજિસ્ટ્રેટના આ પગલાંને પોતાના આદેશની ગંભીર અવહેલના ગણાવી હતી.’
કોર્ટની અવમાનના અને વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ ઊભો કરવાનો આક્ષેપ
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલે રજૂઆત કરી હતી કે, નોઇડા પોલીસના રિપોર્ટના આધારે મેજિસ્ટ્રેટે બીજા વર્ષના લૉ વિદ્યાર્થી અક્ષત ત્રિપાઠીને નોટિસ પાઠવી હતી. જોકે, પાછળથી નોટિસ રદ કરાઈ હોવાના અહેવાલો આવ્યા હતા. વકીલે કોર્ટનું ધ્યાન દોરતાં કહ્યું કે, ‘વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનું વર્તન કોર્ટના આદેશનો સ્પષ્ટ અનાદર છે અને અધિકારીઓ આ રીતે વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ ઊભો કરી શકે નહીં.’
જ્યારે જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ પૂછ્યું કે નોટિસ પાછી ખેંચાયા બાદ કાર્યવાહીનો કોઈ આધાર રહે છે કે નહીં, ત્યારે વકીલે સ્પષ્ટ કર્યું હતું કે એકવાર કોર્ટના આદેશનો અનાદર થઈ જાય, પછી માત્ર નોટિસ રદ કરી દેવાથી તે ગુનો કે ભૂલ નાબૂદ થઈ જતી નથી.
શું હતો સમગ્ર વિવાદિત મામલો?
ગ્રેટર નોઇડાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ IIIની અદાલતે અક્ષત ત્રિપાઠી નામના વિદ્યાર્થી સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા(BNSS)ની કલમ 126/135 હેઠળ નોટિસ જાહેર કરી હતી. પોલીસ રિપોર્ટમાં આક્ષેપ કરાયો હતો કે તે 4 સપ્ટેમ્બરના રોજ યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરીને સરકાર વિરોધી વાતો ફેલાવી રહ્યો હતો અને CJPના પ્રસ્તાવિત ધરણા પ્રદર્શનમાં જોડાવા માટે ઉશ્કેરી રહ્યો હતો. સુપ્રીમ કોર્ટે હવે વકીલને આ નોટિસ રેકોર્ડ પર લાવવા માટે અરજી કરવા કહ્યું છે અને સંબંધિત અધિકારી પાસેથી લેખિત સ્પષ્ટતા માંગવાનો નિર્દેશ આપ્યો છે.

