રાજકોટ : NCPએ કાર્યાલયનું ઉદ્ધાટન કર્યુ, રેશ્મા પટેલ સહિત નેતાઓ માસ્ક વગર જોવા મળ્યા

0
11

રાજકોટમાં આજે NCPના કાર્યાલયનું NCPના નેતા રેશ્મા પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે રેશ્મા પટેલ સહિતના નેતાઓ માસ્ક વગર જોવા મળ્યાં હતા. આ સાથે જ ઉદ્ઘાટન સમયે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઉલાળ્યો કર્યો હતો. ત્યારે સવાલ એ છે કે નિયમો માત્રને માત્ર જાહેર જનતા માટે જ છે. શું નેતાઓને નિયમો સાથે કોઈ લાગતું વળતું નથી. લોકોનો અવાજ બનવા માટે નીકળેલી NCP ખુદ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ કરતી જોવા મળી રહી છે.

NCP દર બુધવારે લોકોના પ્રશ્નો સાંભળી જનસંપર્ક કરશે

રાજકોટમાં આજે NCP કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. NCP દર બુધવારે લોકોના પ્રશ્નો સાંભળશે અને જનસંપર્ક કરશે. આગામી સમયમાં ભાજપ સરકારની ખોટી નીતિઓનો વિરોધ કરશે. સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે NCP આગામી સમયમાં વિવિધ કાર્યક્રમો યોજશે.

રાજકીય પક્ષ તરીકે અમારી ફરજ છે અમે લોકોનો અવાજ બનીએ- રેશ્મા પટેલ

NCP નેતા રેશ્મા પટેલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં અમે કાર્યાલયોનું ઉદ્ઘાટન કરી રહ્યાં છીએ. આ માત્ર પાર્ટીનું કાર્યાલય નથી. પણ જનસંપર્ક માટેનું કાર્યાલય છે. અમે દર બુધવારે જનતા દરબારનું આયોજન કરીશું. જેથી અમે લોકોના પ્રશ્ન સાંભળી શકીએ. રાજકીય પક્ષ તરીકે અમારી ફરજ છે અમે લોકોનો અવાજ બનીએ. NCPના દરવાજો બધાં માટે ખુલ્લા છે. ભાજપની કૂટનીતિ સામે અમે અવાજ ઉઠાવીશું.