ઈરાન અમેરિકા સાથે સીધી વાતચીત કરવા તૈયાર નથી, તેથી પાકિસ્તાન બંને દેશો વચ્ચે સંદેશ પહોંચાડવાનું કામ કરી રહ્યું છે. આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં અમેરિકા સાથે કોઈ સીધી બેઠક યોજાશે નહીં.
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે શાંતિની આશા ફરી એકવાર ઝાંખી પડી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી એક મોટી ટીમ સાથે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પહોંચ્યા હતા, જ્યાં પાકિસ્તાન મિડિયેટર તરીકે બંને દેશો વચ્ચે સંદેશાવ્યવહાર કરવાની ભૂમિકા ભજવી રહ્યું હતું. પરંતુ કોઈ સીધી અમેરિકા-ઈરાન બેઠક ન થતા ઈરાની પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદથી પરત ફર્યું છે.

હાલમાં અમેરિકા સાથે કોઈ સીધી બેઠક યોજાશે નહીં
ઈરાન અમેરિકા સાથે સીધી વાતચીત કરવા તૈયાર નથી, તેથી પાકિસ્તાન બંને દેશો વચ્ચે સંદેશ પહોંચાડવાનું કામ કરી રહ્યું છે. આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં અમેરિકા સાથે કોઈ સીધી બેઠક યોજાશે નહીં અને તમામ સંદેશાવ્યવહાર પાકિસ્તાન મારફતે કરવામાં આવશે. આ બેઠક દરમિયાન ઈરાનના વિદેશ મંત્રીની મુલાકાત પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ સાથે પણ થઈ હતી. તેમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી અને સૈન્ય પ્રમુખ પણ હાજર રહ્યા હતા.
ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ હજુ પણ યથાવત
ઈરાન હવે માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ ઓમાન અને રશિયા સાથે પણ સંપર્કમાં છે, જેથી કૂટનીતિક રીતે ઉકેલ શોધી શકાય. બીજી તરફ અમેરિકા તરફથી પણ ખાસ પ્રતિનિધિઓ પાકિસ્તાન પહોંચવાની તૈયારીમાં છે, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સલાહકારો પણ સામેલ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન કોઈ પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે, પરંતુ તેની સંપૂર્ણ વિગતો હજુ સુધી સામે આવી નથી. આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે ભલે શાંતિની આશા દેખાતી હોય, પરંતુ ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ હજુ પણ યથાવત છે અને કૂટનીતિક પ્રયાસો ચાલુ છે.

