WORLD : અમેરિકામાં બેન્કિંગ સેવાઓ ખોરવાઈ! સાયબર હુમલાની આશંકા, લાખો ગ્રાહકો મુશ્કેલીમાં

0
23
meetarticle

તાજેતરમાં વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓમાં સર્જાયેલી મોટી ટેકનિકલ ખામીની હજુ કળ વળી ન હતી, ત્યાં જ અમેરિકી બેન્કિંગ ક્ષેત્રમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સોમવારે અમેરિકાની ઘણી અગ્રણી બેંકો અને ડિજિટલ પેમેન્ટ નેટવર્ક્સમાં અચાનક સર્વર ડાઉન થવાને કારણે ઓનલાઈન સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ હતી. આ અચાનક થયેલા આઉટેજના કારણે લાખો ગ્રાહકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ઓનલાઇન પેમેન્ટમાં પડી રહી છે ભારે મુશ્કેલીઓ

આઉટેજ પર નજર રાખતી પ્રતિષ્ઠિત અહેવાલ પ્રમાણે ગ્રાહકોને પોતાના બેંક ખાતામાં લોગ ઇન કરવામાં, બેલેન્સ ચેક કરવામાં તેમજ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવામાં ભારે સમસ્યાઓ નડી હતી. આ ટેકનિકલ ખામીના કારણે અમેરિકાની મુખ્ય બેંકો જેવી કે બેંક ઓફ અમેરિકા, ચેઝ બેંક (જેપી મોર્ગન), યુએસ બેંક, વેલ્સ ફાર્ગો તેમજ લોકપ્રિય ડિજિટલ પેમેન્ટ નેટવર્ક ‘ઝેલે’ (Zelle) ની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરતી વખતે ગ્રાહકોને સ્ક્રીન પર “કેટલીક સેવાઓ હાલમાં અનુપલબ્ધ છે, કૃપા કરીને પછીથી પ્રયાસ કરો” એવા એરર મેસેજ જોવા મળ્યા હતા.

સાયબર હુમલાની આશંકા

આ અચાનક સર્જાયેલા વ્યાપક વિક્ષેપને કારણે સોશિયલ મીડિયા પર યુઝર્સમાં ચિંતા ફેલાઈ ગઈ હતી અને અનેક પ્રકારની અટકળો વહેતી થઈ હતી કે શું આ કોઈ મોટો સાયબર હુમલો છે? જોકે, પરિસ્થિતિની ગંભીરતાને જોતાં ચેઝ બેંક સહિતની સંસ્થાઓએ ત્વરિત સત્તાવાર નિવેદનો બહાર પાડીને સ્પષ્ટતા કરી હતી. બેંકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ સમસ્યા માત્ર એક આંતરિક ટેકનિકલ ખામીના કારણે ઉભી થઈ છે અને તેનો કોઈપણ પ્રકારના સાયબર હુમલા સાથે કોઈ સંબંધ નથી. બેંકે ગ્રાહકોને સંપૂર્ણ આશ્વાસન આપતા જણાવ્યું હતું કે તેમના ખાતા અને તેમાં રહેલા નાણાં સંપૂર્ણપણે સુરક્ષિત છે. ટેકનિકલ સમસ્યાને કારણે માત્ર ટ્રાન્ઝેક્શન પ્રક્રિયામાં સામાન્ય વિલંબ થઈ રહ્યો છે, અને બેંકની ટેક્નિકલ ટીમ આ સમસ્યાને વહેલી તકે ઉકેલવા યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.

માઇક્રોસોફ્ટ બાદ અમેરિકામાં બેંકોના સર્વર ઠપ

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના માત્ર થોડા જ દિવસો પહેલા વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટના સર્વરમાં મોટી ખામી સર્જાઈ હતી. શુક્રવારે સર્જાયેલા તે આઉટેજને કારણે કલાકો સુધી આઉટલુક (Outlook), માઈક્રોસોફ્ટ ટીમ્સ અને એઆઈ આસિસ્ટન્ટ કોપાયલટ જેવી મહત્વપૂર્ણ સેવાઓ ઠપ થઈ ગઈ હતી. માઈક્રોસોફ્ટના આ આઉટેજની હજુ ચર્ચાઓ ચાલી રહી હતી ત્યાં જ યુએસ બેન્કિંગ ક્ષેત્રમાં સર્જાયેલી આ ટેકનિકલ ખામીએ ડિજિટલ યુગમાં ટેકનોલોજી પરની આપણી નિર્ભરતા અને તેના જોખમો તરફ ફરી એકવાર સૌનું ધ્યાન ખેંચ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here