NATIONAL : લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ

0
17
meetarticle

 કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે મંગળવારે ઓમ બિરલાને લોકસભાના અધ્યક્ષપદેથી હટાવવા માટે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. વિપક્ષની અવિશ્વાસની દરખાસ્ત પર કોંગ્રેસ, દ્રમુક, સમાજવાદી પાર્ટી સહિત ૧૨૦થી વધુ સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે, પરંતુ નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી અને સપા નેતા અખિલેશ યાદવે તેના પર હસ્તાક્ષર કર્યા નથી. બીજીબાજુ ઓમ બિરલાએ નિર્ણય કર્યો છે કે આ અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ના થઈ જાય ત્યાં સુધી તેઓ ગૃહની અંદર પ્રવેશ નહીં કરે. જોકે, ઓમ બિરલા વિરુદ્ધ આ પ્રસ્તાવ પાસ થવાની શક્યતા ઓછી છે.કોંગ્રેસે મંગળવારે આક્ષેપ કર્યો કે ઓમ બિરલા ગૃહના સંચાલનમાં ખુલ્લેઆમ પક્ષપાતી વલણ દાખવી રહ્યા છે અને બંધારણીય ઓફિસનો દુરુપયોગ કરી રહ્યા છે. તેમણે લોકસભામાં કેટલાક અનપેક્ષિત પગલાં લીધા હતા. ઓમ બિરલાએ કોંગ્રેસ સભ્યો સામે ખોટા આક્ષેપો કર્યા હતા, નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીને ગૃહમાં બોલવાની મંજૂરી આપી નહીં અને વડાપ્રધાન મોદીને ગૃહમાં નહીં આવવા માટે જણાવ્યું હોવાના કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા.

લોકસભામાં કોંગ્રેસના નાયબ નેતા ગૌરવ ગોગોઈ, ચીફ વ્હિપ કે. સુરેશ અને વ્હિપ મોહમ્મદ જાવેદે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને દ્રમુક સહિત કેટલાક વિરોધ પક્ષો તરફથી લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સમક્ષ બંધારણની કલમ ૯૪-સી હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષના ૧૨૦ જેટલા સાંસદોએ હસ્તાક્ષર કર્યા હતા. જોકે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે તેમજ તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ અવિશ્વાસની દરખાસ્ત પર હસ્તાક્ષર કર્યા નથી.

દરમિયાન લોકસભા સચિવાલયના સૂત્રોએ વિપક્ષની નોટિસ મળી હોવાનું સ્વીકાર્યું હતું અને કહ્યું કે, આ દરખાસ્ત પર વિચાર કરાશે અને નિયમો મુજબ કાર્યવાહી કરાશે. જોકે, લોકસભામાં અત્યાર સુધીમાં ત્રણ અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્વાદની દરખાસ્ત આવી હતી, પરંતુ કોઈ પણ દરખાસ્ત પસાર થઈ શકી નહોતી. વિપક્ષ પાસે બહુમત નહીં હોવાથી ઓમ બિરલા સામે પણ આ દરખાસ્ત પસાર નહીં થાય તેમ સૂત્રોનું કહેવું છે. 

બીજીબાજુ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ અંગે કોઈ નિર્ણય ના થઈ જાય ત્યાં સુધી તેઓ ગૃહમાં પ્રવેશ નહીં કરે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here