રણબીર કપૂર અને સાઈ પલ્લવીની બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ’ના બીજા ભાગને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ફિલ્મના બીજા ભાગનું આશરે 60 ટકા શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. ફિલ્મના સિનેમેટોગ્રાફર પંકજ કુમારે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે બીજા ભાગમાં મોટા પાયે યુદ્ધનાં દૃશ્યો જોવા મળશે. આ દૃશ્યોને ભવ્ય અને વાસ્તવિક બનાવવા માટે VFX ટેક્નોલોજીનો વિશેષ ઉપયોગ કરવામાં આવશે.
ફિલ્મનો બીજો ભાગ પહેલા ભાગની સરખામણીએ વધુ ભવ્ય બનાવવાની તૈયારી ચાલી રહી છે. ખાસ કરીને યુદ્ધનાં દૃશ્યો, રાક્ષસો અને વાનર સેનાના પરાક્રમોને પડદા પર જીવંત બનાવવા માટે કમ્પ્યુટર ગ્રાફિક્સ અને મોશન કેપ્ચર ટેક્નોલોજીનો સહારો લેવામાં આવશે. આ તમામ ટેક્નિકલ કામમાં સમય લાગવાની શક્યતા છે. તેથી ફિલ્મના બીજા ભાગનું શૂટિંગ પૂર્ણ થયા બાદ પણ પોસ્ટ પ્રોડક્શન અને VFX માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

હનુમાન અને વાનર સેનાના પરાક્રમો જોવા મળશે
‘રામાયણ-2’માં હનુમાનજી અને તેમની વાનર સેનાની ભૂમિકા ખાસ મહત્ત્વની રહેવાની છે. ફિલ્મમાં વાનર સેનાના પરાક્રમો, લંકા સાથેનું યુદ્ધ અને રામાયણના અનેક રોમાંચક પ્રસંગોને મોટા પડદા પર રજૂ કરવામાં આવશે. આ પાત્રોને વધુ અસરકારક બનાવવા માટે મોટા પાયે CGI એટલે કે કમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવશે. મોશન કેપ્ચર ટેક્નોલોજીની મદદથી પાત્રોની હિલચાલ અને અભિવ્યક્તિઓને પણ વધુ વાસ્તવિક બનાવવાનો પ્રયાસ થશે.
2028ની દિવાળીએ થશે ફિલ્મની રિલીઝ
રણબીર કપૂર અને સાઈ પલ્લવી રામ અને સીતાની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ફિલ્મના પહેલા ભાગની રજૂઆત બાદ હવે દર્શકોમાં બીજા ભાગને લઈને પણ ભારે ઉત્સુકતા છે. ફિલ્મના બીજા ભાગને 2028ની દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રજૂ કરવાની યોજના છે. હવે જોવાનું એ રહેશે કે VFX અને ભવ્ય યુદ્ધનાં દૃશ્યો સાથે ફિલ્મ નિર્માતાઓ દર્શકોને કેવો સિનેમેટિક અનુભવ કરાવે છે.

