ચાલુ નાણાકીય વર્ષમાં મહેસાણાના સીમાંકન અને ભૌગોલિક વ્યાપમાં થયેલા નોંધપાત્ર વધારાને પગલે શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27નું 1005.96 કરોડ રૂપિયાનું મહત્વાકાંક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષના 938.06 કરોડ રૂપિયાના અંદાજપત્રની સરખામણીએ આ વખતે બજેટમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખટાલે દ્વારા રજૂ કરવામાં આવેલા આ બજેટને વહીવટદાર અને જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ મંજૂરીની મહોર મારી છે. આ અંદાજપત્રનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરની આશરે 4.30 લાખની વસતિને આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડી મહેસાણાને એક ‘મોડેલ સિટી’ તરીકે સ્થાપિત કરવાનો છે.વહીવટી તંત્ર દ્વારા આ વખતે બજેટના કેન્દ્રમાં ભૌતિક અને સામાજિક માળખાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જે અંતર્ગત ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓ માટે સૌથી વધુ 446.70 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે સામાજિક સુવિધાઓ પાછળ 265.72 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા ક્ષેત્રે 152.56 કરોડ રૂપિયા ફાળવીને નગરજનોના જીવનધોરણને સુધારવાનો પ્રયાસ કરાયો છે. આ ઉપરાંત શહેરની આગવી ઓળખ ઉભી કરતા આઈકોનિક પ્રોજેક્ટ્સ માટે 56.80 કરોડ અને અન્ય વહીવટી કામગીરી માટે 84.17 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધનીય છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા બાદ મહેસાણાના વિકાસ માટે રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ અને સ્થાનિક સ્વરાજ્યની આવકના સ્ત્રોતોને આધારે આ આયોજન કરવામાં આવ્યું છે.

આ બજેટની સૌથી મોટી વિશેષતા લોકભાગીદારી રહી છે. કમિશનર ખટાલેના જણાવ્યા અનુસાર, શહેરના કુલ 593 નાગરિકો પાસેથી ટ્રાફિક, ડ્રેનેજ, પાણી પુરવઠો, ગાર્ડન અને રમતગમત જેવા વિવિધ મુદ્દે સૂચનો મંગાવવામાં આવ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને જ સેક્ટરવાઇઝ રકમની ફાળવણી કરવામાં આવી છે. ગત વર્ષના બજેટમાં રાધનપુર-મોઢેરા રોડ, ગોપીનાળા અને બી.કે. સિનેમાથી ગાયત્રી મંદિર સુધીના આઈકોનિક રોડ જેવા જે કામો અધૂરા રહ્યા હતા, તેને આ વર્ષે પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે. આગામી સમયમાં રાત્રિ સફાઈ, અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ અને આકર્ષક વોલપેઇન્ટિંગ જેવી સુવિધાઓથી મહેસાણાની કાયાપલટ થશે તેવું ચિત્ર સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

