NATIONAL : એક સમયના મુખ્યમંત્રી અને કદાવર નેતાનો ભાજપથી મોહભંગ

0
7
meetarticle

પંજાબની રાજનીતિમાં 60 વર્ષનો લાંબો અનુભવ ધરાવતા કેપ્ટન અમરિન્દરસિંહે શુક્રવારે ભાજપમાં પોતાની સલાહ ન લેવાતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે તેમણે રાજ્યના અનેક ઉતાર-ચઢાવ જોયા છે, પરંતુ એક સમય એવો પણ આવ્યો જ્યારે કોઈએ તેમની સલાહ લેવાનું પણ યોગ્ય નહોતું ગણ્યું. જોકે, કોંગ્રેસમાં વાપસીની અટકળો વચ્ચે તેમણે પોતાના ભૂતકાળના રાજકીય પ્રવાસનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ હાલમાં પાર્ટી છોડવાની કોઈપણ પ્રકારની જાહેરાત કરવાનું ટાળ્યું હતું.

પંજાબની રાજનીતિ અને ભાજપમાં નજરઅંદાજ થવાની ચર્ચા

દિલ્હીમાં શુક્રવારે કેપ્ટન અમરિન્દરસિંહને પંજાબની રાજનીતિને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું કે શું ભાજપ પંજાબને યોગ્ય રીતે સમજતી નથી, જેના કારણે તેમના કોંગ્રેસમાં પાછા ફરવાની ચર્ચાઓ થઈ રહી છે? જવાબમાં કેપ્ટને કહ્યું કે, ‘મેં પંજાબની રાજનીતિમાં 60 વર્ષ વિતાવ્યા છે. હું એકલો નથી, મારી સાથે એવા ઘણા સાથીઓ પણ છે જેમણે રાજ્યની સ્થિતિને નજીકથી જોઈ છે. એક સમય એવો આવ્યો જ્યારે મારી પાસેથી કોઈ સલાહ સુધી લેવામાં આવી નહીં.’

અમરિન્દરસિંહે પોતાની વાત રજૂ કરતા કહ્યું કે, ‘હું પંજાબનો રહેવાસી છું. તેથી રાજ્યને લઈને પોતાના વિચારો જણાવવા મારી જવાબદારી છે. મારા મતે, પોતાની વાત સામે રાખવી એ કોઈ પાર્ટી છોડવાનો સંકેત નથી.’

કોંગ્રેસમાં પાછા ફરવા પર શું બોલ્યા કેપ્ટન?

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભાજપમાં પોતાની ભૂમિકાને લઈને નારાજગીના કારણે તેઓ કોંગ્રેસમાં પાછા જશે, ત્યારે તેમણે પોતાના જૂના રાજકીય સફરનું ઉદાહરણ આપ્યું. કેપ્ટને જણાવ્યું કે, ‘ઓપરેશન બ્લૂ સ્ટાર પછી હું કોંગ્રેસમાંથી અકાલી દળમાં જતો રહ્યો હતો અને બાદમાં કોંગ્રેસમાં પાછો આવ્યો હતો. પાર્ટીઓ બદલાતી રહે છે. તેનો આ મતલબ નથી કે હવે હું ભાજપ છોડીને કોઈ બીજી પાર્ટીમાં જવાનો છું.’ કેપ્ટને પોતાની વાતને પાર્ટી બદલવાના સંકેતથી અલગ રાખી અને કહ્યું કે, ‘હું માત્ર પંજાબને લઈને પોતાના વિચારો શેર કરી રહ્યો છું.’

ઉલ્લેખનીય છે કે, આ પહેલા 7 ઓગસ્ટે રાહુલ ગાંધીને ઇન્સ્ટાગ્રામ પર પૂછવામાં આવ્યું હતું કે ભાજપમાં તેમના મનપસંદ નેતા કોણ છે? જેના જવાબમાં તેમણે કેપ્ટન અમરિન્દરસિંહનું નામ લીધું હતું અને તેમને ‘કૂલ’ તેમજ સૈન્ય ઇતિહાસના જાણકાર જણાવ્યા હતા. હાલમાં કેપ્ટને પંજાબના મામલાઓમાં સલાહ ન લીધાની વાત કહી છે, પરંતુ કોંગ્રેસમાં પરત ફરવા કે ભાજપ છોડવાની કોઈ જાહેરાત કરી નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here