પશ્ચિમ એશિયા સંકટ, યુદ્ધ, પ્રતિબંધો, ટેરિફ વોરને પગલે વૈશ્વિક વ્યવસ્થાઓ કથળી ગઈ છે ત્યારે ૧૨-૧૩ સપ્ટેમ્બરે રાજધાની દિલ્હીમાં યોજાઈ રહેલા બ્રિક્સ સંમેલન પર સમગ્ર દુનિયાની નજર છે. આ બ્રિક્સ સંમેલનમાં રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન, ચીનના પ્રમુખ શી જિનપિંગ ભારત આવી રહ્યા છે. ગલવાન હિંસા પછી જિનપિંગનો આ પહેલો ભારત પ્રવાસ છે. વધુમાં કુલ ૧૧ દેશોના વડા આવી રહ્યા હોવાથી રાજધાની દિલ્હીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવાઈ છે તથા એન્ટી ડ્રોન સિસ્ટમ પણ એક્ટિવ કરાઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ૧૮મા બ્રિક્સ સંમેલનમાં હાજરી આપવા માટે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ ભારત આવી રહ્યા છે. બ્રિક્સ બેઠક શનિવારે અને રવિવારે યોજાવાની છે. જોકે, આ પહેલાં શુક્રવારે વડાપ્રધાન મોદી અને રશિયન પ્રમુખ પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે. આ બેઠકમાં યુક્રેન અને ઈરાન વચ્ચે યુદ્ધો પર ચર્ચાની સાથે દ્વિપક્ષીય આર્થિક અને સંરક્ષણ સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા થશે. ઉપરાંત ભારત અને રશિયા વચ્ચે કેટલાક મહત્વના કરાર થાય તેવી સંભાવના છે.
આ સિવાય ચીનના પ્રમુખ શી જિનપિંગ સાત વર્ષ પછી પહેલી વખત ભારત આવી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયે ગુરુવારે જિનપિંગના ભારત પ્રવાસની પુષ્ટી કરી છે. જોકે, તેમણે જિનપિંગના પ્રવાસ અંગે અન્ય કોઈ વિગતો જાહેર કરી નથી. જોકે, માનવામાં આવે છે કે પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ શકે છે. જિનપિંગની આ મુલાકાત ભારત અને ચીન વચ્ચે સંબંધો સુધરી રહ્યા હોવાનો સંકેત આપે છે. આ પહેલાં ગયા વર્ષે પીએમ મોદીએ એસસીઓ બેઠક માટે ચીનના તિયાનજિનનો પ્રવાસ કર્યો હતો.
વર્ષ ૨૦૨૦માં ગલવાન હિંસા પછી જિનપિંગ પહેલી વખત ભારત આવશે. આ પહેલા જિનપિંગ ૧૧-૧૨ ઓક્ટોબર ૨૦૧૯માં તમિલનાડુના મલ્લાપુરમના પ્રવાસે આવ્યા હતા, જ્યાં તેમણે પીએમ મોદી સાથે ભારત-ચીનના બીજી અનૌપચારિક શિખર સંમેલન માટે ભારતનો પ્રવાસ કર્યો હતો.

દરમિયાન બ્રિક્સ સંમેલન માટે ઈરાન સહિત ૧૧ દેશોના વડા ભારત આવી રહ્યા હોવાથી રાજધાની દિલ્હીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવાઈ છે. દિલ્હીમાં આ વખતે ૨૦૨૩ના જી-૨૦ સંમેલન કરતાં વધુ મોટી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
દિલ્હીમાં ૧૧થી ૧૩ સપ્ટેમ્બર સુધી ૩૫ રૂટ અને ૧૧ હોટેલ સુરક્ષા ઘેરામાં રહેશે.
દિલ્હીના ડીસીપી સચિન શર્માએ કહ્યું કે, રાજધાનીમાં ૨૫,૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓને સુરક્ષામાં તૈનાત કરાયા છે. ૧૦૦થી વધુ એનએસજી કમાન્ડો અને એન્ટી ડ્રોન સિસ્ટમ એક્ટિવેટ કરાઈ છે. દિલ્હી પોલીસના ૧૦૦૦થી વધુ સ્વાટ કમાન્ડો તૈનાત કરાયા છે. બ્રિક્સ સમિટ દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખતા નિશ્ચિત વિસ્તારોમાં ડ્રોન અથવા કોઈપણ પ્રકારના ફ્લાઈંગ ઓબ્જેક્ટના ઉડ્ડયન પર પ્રતિબંધ મૂકાયો છે.
દિલ્હીની ઈમારતોની છતો પર સ્નાઈપર્સ તૈનાત કરાયા છે, જેઓ એઆઈ-ગાઈડેડ સ્નાઈપરથી સજ્જ હશે. આ સિવાય રાજધાનીમાં જેસ્ચર રિકગ્નિશન કેમેરા લોકોના બેઠવા-ઉઠવા અથવા ચાલવાની રીતોમાં ફેરફારને ઓળખશે, કમાન્ડો હેલિકોપ્ટરોમાંથી દોરડા મારફત નીચે ઉતરશે અને એન્ટી-ગ્રાફિટી ટીમો ૨૪-૭ કલાક રસ્તા પર ફરતી રહેશે, જેથી હાઈટેક જોખમોથી લઈને છુપાઈને કરાનારા વિરોધ પ્રદર્શનો સુધી દરેક બાબતનો સામનો કરી શકાય.

