હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) કોમર્શિયલ જહાજો માટે ખોલવાની ઈરાનની જાહેરાત બાદ પણ ત્યાં તણાવનો માહોલ યથાવત છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા એક ભારતીય ઓઈલ ટેન્કર પર ઈરાની દળો દ્વારા અચાનક ગોળીબાર કરવામાં આવ્યો છે. આ ગંભીર અને ચોંકાવનારી ઘટના બાદ ભારત સરકારે આકરા પગલાં લેતા ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) ભારતમાં રહેલા ઈરાનના રાજદૂત ડૉ. મોહમ્મદ ફતાલીને સમન્સ પાઠવીને પોતાનો સખત વિરોધ નોંધાવ્યો છે. બે દેશો વચ્ચેના આ તણાવે આંતરરાષ્ટ્રીય વેપાર અને દરિયાઈ સુરક્ષા અંગે એક મોટી ચિંતા ઊભી કરી દીધી છે.

રાજદૂત સાથે મુલાકાત અને ભારતનો વિરોધ
શનિવારે સાંજે 6:30 વાગ્યે ઈરાની રાજદૂત ડૉ. મોહમ્મદ ફતાલીને વિદેશ મંત્રાલયની ઓફિસે બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા. આ બેઠક દરમિયાન ભારતે હોર્મુઝ સ્ટ્રેટમાં પોતાના તેલ ટેન્કર પર થયેલા ગોળીબાર મામલે સ્પષ્ટ શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી અને સત્તાવાર રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
ગોળીબારની ઘટના અને 2 જહાજોને પાછા મોકલાયા
રિપોર્ટ્સ મુજબ, શનિવારે ઓમાનના અખાતની ઉત્તરે ઈરાની નૌકાદળે જે મોટા ભારતીય ટેન્કરને નિશાન બનાવ્યું હતું, તેમાં લગભગ 2 મિલિયન બેરલ ઈરાકી ક્રૂડ ઓઈલ ભરેલું હતું. આ ગોળીબારની ઘટનાના થોડા સમય પહેલા જ એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે ‘જગ અર્નવ’ અને ‘સન્માર હેરાલ્ડ’ નામના 2 ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી બળજબરીપૂર્વક પાછા મોકલી દેવામાં આવ્યા હતા.
ભારતીય નૌકાદળ સતર્ક
આ ઘટના બાદ ભારતીય નૌકાદળ પણ સતર્ક થઈ ગયું છે અને ઘટના અંગે વધુ માહિતી એકઠી કરી રહ્યું છે. જોકે, હાલમાં હોર્મુઝ સ્ટ્રેટની અંદર ભારતનું પોતાનું કોઈ જહાજ હાજર નથી, પરંતુ સુરક્ષાના ભાગરૂપે ઓમાનના અખાતમાં 2 ભારતીય વિનાશક જહાજો (Destroyers), 1 ફ્રિગેટ અને 1 ટેન્કર પહેલેથી જ તૈનાત છે.
હોર્મુઝમાં ફરી બંધ થવાનો ડર
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી એકવાર અથડામણો વધી ગઈ છે. બ્રિટિશ નૌકાદળે પણ શનિવારે પુષ્ટિ કરી હતી કે ઈરાની ગનબોટોએ સ્ટ્રેટ પાર કરવાનો પ્રયાસ કરી રહેલા કેટલાક અન્ય જહાજો પર પણ ફાયરિંગ કર્યું હતું. એટલું જ નહીં, કેટલાક વેપારી જહાજોને ઈરાની નૌકાદળ તરફથી રેડિયો પર એવો મેસેજ પણ મળ્યો છે કે આ રસ્તો ફરીથી બંધ કરી દેવામાં આવ્યો છે અને કોઈપણ જહાજને અહીંથી પસાર થવાની મંજૂરી અપાશે નહીં.

