Sunday, May 5, 2024
Homeરાજકોટ: ચૂંટણી વખતે મતદાન બુથમાં ઘુસી, EVM મશીન તોડી આતંક મચાવનાર 5...
Array

રાજકોટ: ચૂંટણી વખતે મતદાન બુથમાં ઘુસી, EVM મશીન તોડી આતંક મચાવનાર 5 શખ્સોને રાજકોટ તાલુકા પોલીસે ઝડપી લીધા

- Advertisement -

રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી વખતે મતદાન બુથમાં ઘુસી, EVM મશીન તોડી નાખી આતંક મચાવનાર 5 શખ્સોને રાજકોટ તાલુકા પોલીસે ઝડપી લીધા છે. 21મી ફેબ્રુઆરીએ વોર્ડ નં.11માં વામ્બે આવાસ ક્વાર્ટર વિસ્તારમાં આવેલી શાળામાં ચાલુ મતદાને આરોપીઓએ તોફાન મચાવ્યું હતું, અતિ ગંભીર ગણાતા ગુનામાં 28 દિવસ બાદ પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે ધરપકડ થયા બાદ આરોપીએ પગમાં વાયર ફસાતાં EVM પડી ગયાનું રટણ પોલીસ સમક્ષ કર્યુ હતું.

EVMના વાયરો કાઢી કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાવ્યા હતા
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વિગત મુજબ તા.21 ફેબ્રુઆરીના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું જેમાં વોર્ડ નં.11માં આવેલા વામ્બે આવાસની ડો.ભીમરાવ આંબેડકર પ્રાથમિક શાળાના બે બુથમાં મતદાન થઈ રહ્યું હતું. લોકો મત આપવા લાઈનમાં ઉભા હતા તે જ સમયે સાંજે 4 વાગ્યા આસપાસ કેટલાક લોકોનું ટોળું પોલીસની હાજરીમાં મતદાન બુથમાં ઘસી આવ્યું હતું. અને માથાકૂટ કરી EVMના મશીનમાં તોડફોડ કરી હતી અને EVMના વાયરો કાઢી કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાવ્યા હતા. એટલું જ નહીં ઘણો સમય બુથમાં આતંક મચાવ્યા બાદ આરોપીઓ આરામથી નાસી છૂટ્યા હતા અને પોલીસ મુક પ્રેક્ષક બની રહી હતી.

વીડિયોને આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી
ફરજ પર હાજર ચૂંટણી અધિકારીની ફરિયાદ પરથી તાલુકા પોલીસે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ – 131, 132, 136 તથા IPCની કલમ – 143, 186, 189, 120 (B), 353 તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટની કલમ -3, 7 મુજબનો ગુનો દાખલ કર્યો હતો. સમગ્ર ઘટનાની વીડિયોગ્રાફી થઈ ગઈ હોવાથી આરોપીઓની ઓળખનો રસ્તો સરળ બની ગયો હતો. જોકે એક બીજા વિભાગ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. આવી ગંભીર ઘટનામાં આરોપીઓને તુરંત ઝડપી લેવામાં આવતા હોય છે. અઠવાડિયા બાદ પણ આરોપી ન ઝડપાતા પોલીસની કામગીરી પર ફરી સવાલો ઉઠ્યા હતા. જોકે પોલીસને વહીવટી તંત્ર તરફથી વીડિયો ગ્રાફીના ફૂટેજ મળતા તાલુકા પીઆઇ જે.વી.ધોળા, પીએસઆઈ એન.ડી. ડામોર અને તેમની ટીમ આરોપીઓને ઝડપી લેવા કામે લાગી હતી અને આજે ટોળા પૈકીના પાંચ આરોપીઓને દબોચી લીધા છે.

આરોપીએ પગમાં વાયર ફસાતાં EVM પડી ગયાનું રટણ પોલીસ સમક્ષ કર્યુ હતું.
ગત 21 ફેબ્રુઆરીએ મનપાની ચૂંટણીના મતદાનના દિવસે વામ્બે આવાસ યોજના કવાર્ટર પાસે આવેલી ડો. ભીમરાવ આંબેડકર પ્રાથમિક શાળામાં ઘુસી જઇ પાંચ શખ્સોએ EVM મશીન તોડી નાંખી ધમાલ મચાવી હતી. તાલુકા પોલીસે જેતે વખતે ગુનો નોંધી આરોપીઓને શોધવા તપાસ હાથ ધરી હતી. અને આજે આ પાંચેય શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ પાંચેય શખ્સોએ પોતે જાગૃત નાગરિક હોવાનું અને બોગસ મતદાન થતું હોવાની માહિતી મળતાં રજૂઆત કરવા ગયાનું અને બુથ અંદર કોઇએ આવવા ન દેતાં અંદર ગયા બાદ પગમાં વાયર ફસાતાં ઇવીએમ પડી ગયાનું રટણ પોલીસ સમક્ષ કર્યુ હતું.

વીડિયોગ્રાફી ફૂટેજમાં ઓળખાયેલા અમુક શખ્સોને ઝડપી લેવા પોલીસ હજુ પણ સક્રિય છે
પોલીસે જયેશ આલા ચાંડપા, ધર્મેશ સુરેશ રતનેશ્વર, રવી સોમા વાઢેર, રામ ભાણાજી વારસકીયા, ગૌતમ વાલજી બાબરીયાની ધરપકડ કરી છે. હજુ પણ વધુ આરોપીઓ ઝપાઈ શકે છે. પોલીસ તેમની પણ શોધખોળ કરી રહી છે. ઈવીએમ તોડફોડની ઘટનામાં પહેલેથી જ પોલીસ કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. વિપક્ષે પણ આક્ષેપ કર્યો હતો જે પોલીસ પર આ મામલે રાજકીય દબાણ છે. કોંગ્રેસે નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ સાથે કલેકટરને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું. ત્યારે પાંચ આરોપીઓ ઝડપાયા બાદ હજુ મોટામાથા પોલીસ પકડથી દુર છે અને ફક્ત પ્યાદા જ ઝડપાયા હોવાની ચર્ચા થઈ રહી છે. આખી ઘટના કેમેરામાં કેદ છે, છતાં રાજકીય ઓથમાં મોટામાથા પોલીસ પકડથી દુર હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ વીડિયોગ્રાફી ફૂટેજમાં ઓળખાયેલા અમુક શખ્સોને ઝડપી લેવા પોલીસ હજુ પણ સક્રિય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular