U19 Asia Cup : ભારતનો ઐતિહાસિક વિજય! પાકિસ્તાનને છેલ્લી બોલે હરાવી U-19 એશિયા કપની ટ્રોફી જીતી

0
3
meetarticle

ભારતીય ક્રિકેટ ચાહકો માટે ગર્વની ક્ષણ છે. ભારતની અંડર-19 ટીમે પાકિસ્તાનને રોમાંચક ફાઇનલ મુકાબલામાં માત્ર 1 વિકેટથી હરાવીને U-19 એશિયા કપ 2026નો ખિતાબ પોતાના નામે કર્યો છે. ઓમાનના અલ અમરાત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આ ફાઇનલ મેચમાં છેલ્લી બોલ સુધી રોમાંચ જોવા મળ્યો હતો.

પાકિસ્તાને બનાવ્યો 337 રનનો વિશાળ સ્કોર

ફાઇનલમાં ટોસ જીતીને પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 337 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ટીમ તરફથી ઉસ્માન ખાને 107 રનની શાનદાર સદી ફટકારી હતી. જ્યારે અબ્દુલ કાદિરે 80 અને કેપ્ટન ફરહાન યુસુફે 63 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કાવ્યા પટેલે 4 વિકેટ અને ચિગુરુપતિ વેંકટાએ 3 વિકેટ ઝડપી હતી.

આર્યવીર સેહવાગ અને કેપ્ટન લક્ષ્યની શાનદાર બેટિંગ

338 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને ઓપનર આર્યવીર સેહવાગ અને કેપ્ટન લક્ષ્ય રાજેશ રાયચંદાનીએ સારી શરૂઆત અપાવી હતી. આર્યવીરે 61 બોલમાં 58 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન લક્ષ્યએ 101 બોલમાં 80 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

જોકે, એક સમયે ભારતે 252 રનમાં 8 વિકેટ ગુમાવી દેતાં મેચ પાકિસ્તાનની તરફેણમાં જતી જોવા મળી હતી. પરંતુ ત્યારબાદ મોહિત ઉલ્વા અને મનાલ ચૌહાણે શાનદાર બેટિંગ કરીને ભારતની આશા જીવંત રાખી હતી.

મોહિત ઉલ્વા બન્યો જીતનો હીરો

મનાલ ચૌહાણે 32 બોલમાં 47 રન બનાવ્યા હતા, જ્યારે મોહિત ઉલ્વાએ માત્ર 26 બોલમાં અણનમ 49 રનની તોફાની ઇનિંગ રમી હતી. બંને વચ્ચે નવમી વિકેટ માટે 57 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી.

છેલ્લી ઓવરમાં ભારતને જીતવા માટે ત્રણ રનની જરૂર હતી. મોહિત ઉલ્વાએ છેલ્લી બોલે બાઉન્ડરી ફટકારીને ભારતને યાદગાર જીત અપાવી હતી. ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 339 રન બનાવીને એક વિકેટથી મેચ જીતી લીધી હતી.

આર્યવીર સેહવાગ બન્યો ટૂર્નામેન્ટનો હીરો

આ ટૂર્નામેન્ટમાં પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પાંચ ઇનિંગ્સમાં કુલ 361 રન બનાવીને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. તેના શાનદાર પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

આ જીત સાથે ભારતે નવમી વખત U-19 એશિયા કપનો ખિતાબ જીતીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here